લેબલ ગુંજન ગાંધી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુંજન ગાંધી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, ડિસેમ્બર 01, 2012

એ કહો....


સ્વતંત્ર શેર..

કટકે કટકે મળી સજા, દુઃખ છે એ વાતનું,
પણ ન એને પડી મજા,દુઃખ છે એ વાતનું.


અને ગઝલ...

આભમાં શું કામ ના ઊડે પહાડો, એ કહો.
કેમ ના ખોદી શક્યા પાણીમાં ખાડો, એ કહો.

જો તમારા હાથને હથિયાર એવું નામ દઉં,
તો સમયના હાથને કેવા મરોડો, એ કહો.

બે હથેળીમાં છુપાવો ચાંદ આખો, એ પછી,
કેવું કોને કેટલું ક્યારે દઝાડો, એ કહો.

શ્વાસ આ તારી હવાના કાયદાની હદમાં લઉ,
કઈ કલમમાં બંધ અમને બેસાડો, એ કહો.

આઈનો અકબંધ હોવાની મને ચિંતા નથી,
કેમ ના જોઈ શક્યો મારી તિરાડો, એ કહો.

રવિવાર, નવેમ્બર 18, 2012

આભને ખોવું નથી...


બોલવા જેવું નથી,
શાંત પણ રહેવું નથી.

આ હવાને પૂછ ના,
કેમ કંઈ કહેવું નથી?

છત વગરની વાત છે,
આભને ખોવું નથી.

એક સન્નાટો ફકત?
કંઇ બીજું સહેવું નથી?

ચાલ મન લઈ બેસીએ
કોઈએ એવું નથી.

સોમવાર, નવેમ્બર 12, 2012

તાલ હું જોઉં છું....

વાત ના જોઉં બસ ભાવ હું જોઉં છું,
શબ્દ વચ્ચે જગા, ખાસ હું જોઉં છું.

રાતના snow પડે, ને દિવસ છે sunny,
Season કે તારો સ્વભાવ હું જોઉં છું?

આગવા રંગને ઢંગને ઓળખે,
એ પરખદારની રાહ હું જોઉં છું.

હાથ બળશે ખબર છે મને તો ય પણ,
ભંગ ના થાય એ રાસ હું જોઉં છું.

ખોલશે ગૂંચને બંધ પોતે થશે,
સહેજ ત્યાં દૂરથી તાલ હું જોઉં છું.

શનિવાર, નવેમ્બર 10, 2012

મુકતક - ગુંજન ગાંધી


જૂની રસમો કે રિવાજો કોઈ રીતે તોડીએ,
પાંખ કે સીડી વડે ઉપર જવાનું છોડીએ.

મિત્રતા જો દોર જેવી બાંધતા ફાવી ગઈ,
તો પતંગો જેમ નાતો આભ સાથે જોડીએ.

સોમવાર, સપ્ટેમ્બર 24, 2012

એક લઘુ કાવ્ય


અનુસરું કે ઓળંગુ,
કે પછી હું જ બની જઉં, 
બસ એ જ વિચારોમાં
હું ઉભો રહી જાઉં છું,
ત્યાં ને ત્યાં,
રસ્તા ઉપર....


Written on 22 Sep, 2012.

રવિવાર, સપ્ટેમ્બર 16, 2012

બાળક ફરી બની જો....



હસતા રહી ખુશીમાં,તું દુઃખને રડી જો
ટાઈમ મશીનમાં બેસી, બાળક ફરી બની જો.

પાંખો ખુલે હવે બસ, એ રાહમાં જગત છે,
તું પીંજરે નથી એ બાબત ખરી કરી જો.

એના એ હાવભાવો, ના હાસ્ય પણ જરાયે,
જોઈ મને ચમક એ આંખોમાં થઈ ખરી જો.

શું ખીણમાં જઈ તું શોધે કશું ફરીને,
મળશે નહીં પતન ત્યાં, નીચે હજી પડી જો.

વરસાદમાં પલળતા જે ડાળખી ના શીખી,
પંખીએ એને પકડી ઉંચી કરી જરી જો.



- Written from Sept 2nd to Sept 16, 2012.

રવિવાર, ઑગસ્ટ 26, 2012

શક્યતામાં વેગ છે


સાંજથી એ શક્યતામાં વેગ છે. 
સ્વપ્ન પાસે આપનો ઉલ્લેખ છે.

ચાલતા'તા ત્યાં સુધી સારુ હતું,
થાક એ ઊભા રહ્યાની ભેટ છે.

ઝાકળ માટે આંખની આ લાગણી,
એકતરફી કોઈ દસ્તાવેજ છે.

છટકી ગઈ પેલી સુગંધી ક્યાંકથી,
ને હવા મુઠ્ઠીની વચ્ચે કેદ છે.

છેક પહોંચી ગઈ હતી ઘટના અને,
આપણી સમજણ હજી અડધે જ છે.

Written from 18 to 25 August, 12.

બુધવાર, ઑગસ્ટ 01, 2012

તારામાં થોડું ડૂબવા નીકળ્યા....

ઝરણું પાણી લાવ્યું ક્યાંથી શોધવા નીકળ્યા,
છાંયડાથી વૃક્ષનું કદ માપવા નીકળ્યા.

ઘર કરે મારામાં તું એ રીતે, રહેવાય ના,
ને અમે તારામાં થોડું ડૂબવા નીકળ્યા.

ટોચની જોઈ ઉદાસી,આભમાં બેઠા નહીં,
વાદળો પર્વતનો આંટો મારવા નીકળ્યા.

ફૂલને પાંખો વિશે જો કલ્પના આવી,તો -
એ બધા ર્ંગીન સરનામે જવા નીકળ્યા.

ઘાસમા છૂપાયેલી એ સોય પાછી મળી,
જે દિવસ ખોયેલા એને ગોતવા નીકળ્યા.

- Written from July 22 to July 31, 2012.

રવિવાર, જુલાઈ 08, 2012

ક્યાં સુધી હુ અવતરું?

શ્વાસ ખાલી ખાલી લાગે તે ભરું.
નાની તો નાની, ચલો કેડી કરું.

ધોમધખતા દ્શ્યથી દાઝે નહીં,
આંખમા એવું થઈ પાણી તરું.

લાકડાની નાવ છે,તૂટી શકે,
ભેટ ચાંદીની જ લો તમને ધરું.

બારી ખુલ્લી રાખવાની વાત છે,
આ હવાને કેટલું હું કરગરું?

હાશ રસ્તાને થઇ એ કારણે,
કારની ચાવી મૂકી પાછો ફરું.

આંગળી પોતાનો હિસ્સો માનશે?
નખ થઈને ક્યાં સુધી હુ અવતરું?
 
 
(01st July, 2012)

બુધવાર, જૂન 27, 2012

વાત વરસાદે ઉડાવી ……


હાથની ઝણઝણાટી,
કોણ જાણે શું થવાની.
  
બંધ બેસે એવા સપના,
રાત ગોતી લાવે ક્યાંથી.

ઈંટતા ઓછી પડેલી,
એટલે ભીંતો ચણાઈ.

ને અમે ભીના થયા'તા,
વાત વરસાદે ઉડાવી.

જીભ ઊપર આવે ના આવે,
જીવ પર આવવાની.


- Written from June 21 to June 26, 2012

ગુરુવાર, જૂન 14, 2012

મહેકને અડકી ગયા....

'માપ દરિયાનું ગજું' એવું કહી મલકી ગયા,
ફૂટપટ્ટી રેતને ધરતા તમે અટકી ગયા.

આંકડા ઓછા પડે તો આંગળાઓ ચાલશે,
ચાંદ સૂરજને ગણો, તારા ભલે છટકી ગયા.

હાથ જો છોડી શકો ને,તો જ આગળ જઈ શકો,
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

પાંદડા પર આભ ઉતર્યું ને જમીન કોરી રહી,
ને સરોવર જોઈને આ,શી ખબર છલકી ગયા.

ફૂલની હાલત ઘણી ગંભીર જેવી થઈ જશે,
ભૂલથી કોઈ વાર પણ જો મહેકને અડકી ગયા.

- (10 to 14th June, 2012)

સોમવાર, જૂન 04, 2012

નથી નથી.....



કંઈ પણ નવું નથી, જૂનું નથી નથી.
પાસે નથી કશું, અળગું નથી નથી.

જે ડાબા હાથે જીવ્યા'તા સરળ કદી,
એ જમણા હાથે પણ મળતું નથી નથી.

સત્યોનો રંગ કાળો હોઈ ના શકે,
તો શ્વેત છે, એ પણ સાચું, નથી નથી.

હા-ના તો થઈ નથી, કે વાત આંખથી,
ને ખાસ એવું કંઈ બન્યું નથી, નથી?

રાતે અવાજ ધીમો ના કરી શકો?
મનરવ ને એવું કહેવાતું નથી નથી.

- Written from May 25 to 3 June.

ગુરુવાર, મે 24, 2012

એમાં શું.....

આકાશને છત કહેવાનું, એમાં શું?
બસ, ખુલ્લા મનથી રહેવાનું, એમાં શું?

મારા જ રસ્તે ચલો ને મજા પડશે,
હા, બહુ નથી ત્યાં વહેવાનું, એમાં શું?

છટકી ગયા સ્પર્શ, તમને મળ્યા સ્મરણ,
ને ટેરવાને સહેવાનું, એમાં શું?

પાણી કહે, ચાલ પર્વત ઉપર જઈએ,
ઝરણામાં દાટો વહેવાનું, એમાં શું?

તડકાને રાતે મળો, વેશ બદલીને,
'ચલ ચાંદનીમાં' કહેવાનું, એમાં શું.

Written from 16.05 to 22.05, 2012

શનિવાર, એપ્રિલ 28, 2012

મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી......


મેં હથેળીને પછી મુઠ્ઠી કરી,
ભાગ્યરેખા એ રીતે લાંબી કરી.

ચામડીને તો કરચલી ચાલશે,
મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી.

પગ ભટકવા એટલા જીદે ચડ્યા,
મેં બધા નકશાની લો હોળી કરી.

આટલું અજવાળુ અમને બસ હતું.
આંખ પાછી કેમ તેં મોટી કરી.

પરસેવો શું હોય, સમજાવો તરત,
પાણી એ નિર્દોષ ઉઘરાણી કરી.

- From April 21 to 27, 2012. Modified on 18.01.13.

બુધવાર, માર્ચ 28, 2012

વેનિસના દરિયાની ગઝલ...


વેનિસના દરિયા પાસેથી મળેલી ગઝલ,
 
દરિયો દળાય છે,
કોને કળાય છે?
 
તારી જ છે હવા,
એને મળાય છે?

જીવ્યાનો અર્થ શું -
'હોવું ગળાય', છે?

કંઈ પણ બની શકે,
રેતી 'જળાય'છે!

લો આ વિશાળતા,
એને વળાય છે?
 
- Written on 27 March, 2012 between 6.30 PM to 7.30 PM. Modified on 1st April, 2012.

શનિવાર, ફેબ્રુઆરી 18, 2012

જળપરીના સમ!

પગરખામાં નડેલી કાકરીના સમ.
નહી તો, નંગ વાળી આંગળીના સમ.

મને 'શું છે હયાતી', એ સમજ આવી,
બધી એના વિશેની ચોપડીના સમ.

ન ચીસો કોઈએ પણ સાંભળી એની,
એ જાજમ પર પડેલી ટાંકણીના સમ.

હશે ટટ્ટાર મન તો ચાલશે એને,
લો ખૂણામાં પડેલી લાકડીના સમ.

તમે પામી ગયા છો ભેદ દરિયાનો?
એ તળિયામાં વસેલી જળપરીના સમ!

- Written from February 12 to 18, 2012

- એક પ્રતિભાવ શ્રી સંજુ વાળા તરફથી (ફેસબુક પર)...Proud moment..:-)..

ડીયર ઘસાઈ/ટીપાઈ/ચવાઈ ગયેલી આપણી ગુજ, ગઝલને આમ જરા નવા રૂપે માંડવાના આપણા સૌના પ્રયત્નો ફળો. આ નવતા માટે મારા અભિનંદન.

ગુરુવાર, ફેબ્રુઆરી 02, 2012

અવાજો પણ કદી દેખાય તો....

સ્વપ્ન છે એ રાતથી લંબાય તો,
ધારણાનું આ જગત બદલાય તો?

તું 'સફર', 'રસ્તા' વગર પહોંચી શકે,
આ 'ગતિ' દિશા' નથી સમજાય તો.

સહુ સનાતન સત્યનું આવી બને,
એક દિવાથી સૂરજ ઢંકાય તો?

નામ એનું ગણગણું, ને થાય કે,
આ અવાજો પણ કદી દેખાય તો?

તું સમયસર આવે તો એવું બને?
'રાહ જોવાનો' સમય અકળાય તો?

-Written from Jan 28 to 02 Feb, 2012.

શનિવાર, જાન્યુઆરી 21, 2012

આપે છે...

જવાબમાં સવાલ આપે છે,
મને નવા ખયાલ આપે છે.

હશે કદાચ મારી ભૂલ પણ,
તું રોજ આ બબાલ આપે છે!

છે રસ્તો એનો એ જ રોજ પણ,
નવી નવી જ ચાલ આપે છે

છે ગૂંચ આમ કેટલી તો પણ,
એ તો સરળ વહાલ આપે છે.

તમાચા બસ તમાચા આપશે,
જરા ય ગાલ લાલ આપે છે?

લડાઈ એકલા લડો, કહી,
ને બે ય હાથે ઢાલ આપે છે.

હતું કે છત મળે તો બહુ થયું,
ધરાર એ દિવાલ આપે છે.

ગુરુવાર, ડિસેમ્બર 08, 2011

લાગણી હાજર જવાબી નીકળી...

એકદમ ધીમેથી ત્યાંથી નીકળી,
એ દિવો છોડી હવા બી નીકળી.

ભાગ્ય થીજી જાય જો જામે બરફ?
ત્યાં જ સૂરજની સવારી નીકળી.

તું જો હાજર હોય તો રાજી થતી,
લાગણી કેવી નવાબી નીકળી.

વ્યક્ત ના થઈ જાઊં એવી બીકથી,
જિંદગી આખ્ખી, અધૂરી નીકળી

'હા' કે 'ના' એ તો કંઇ બોલ્યા નહીં,
લાગણી હાજર જવાબી નીકળી.

બુધવાર, નવેમ્બર 30, 2011

શું મળ્યું છે?

દર્દને સંકોરવાથી શું મળ્યું છે?
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે?

આપણા હોવાપણાની શક્યતામાં,
કોણ આવીને અહીં ટોળે વળ્યું છે?

રાત સુંદર, ચંદ્રને credit મળી ગઈ,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે!

ભીંત પર જે કંઈ લખ્યું વાંચી ગયા પણ,
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે?

એક ટીપાને હતું જંગી કુતૂહલ,
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે.