સોમવાર, ડિસેમ્બર 24, 2012

કહેવાય ના કારીગરી?...

મીણબત્તી ગાંઠની ખર્ચી અમે proxy ભરી,
ને સવારે સૂરજે આવીને દમદાટી કરી.

પાર જેને માટે થઈ દીવાનગીની હદ કરી,
એમણે સામે હવે ભારે સમજદારી ધરી.

વાસેલાને વાસવાનું શક્ય પણ બનશે ફરી,
આપણે ખોલી શક્યા જો આ-પણાને બસ જરી.

ઢાળને ગમતું નથી ઊંચા થવું નીચે જવું,
વાત પણ સરખાપણાની સહેજ ના કાને ધરી.

આગ જ્યાં અટકી હતી ને, જ્યાં ધુમાડો છે શરૂ,
ત્યાં હવાના કામને કહેવાય ના કારીગરી?

 

તો ચાલશે...

બિલ્લી પગે આવી જશે તો ચાલશે,
ધીમેથી સમજાવી જશે તો ચાલશે.

માંગ્યા છતાં પણ હાથ ઉંચો રાખતા,
જો આપને ફાવી જશે તો ચાલશે.

સસલાપણું જો કાચબાને આવશે,
કીડી ય હંફાવી જશે તો ચાલશે!

જોડે નહી તું હાથ, ના ઉંચા કરે,
થોડાક લંબાવી જશે તો ચાલશે.

અજવાળું આપ્યું ના ભલે થોડું અમને,
આખ્ખુ જ સળગાવી જશે તો ચાલશે.

ગુરુવાર, ડિસેમ્બર 06, 2012

પછી દુઆ અસર કરે


તમે કરો કરમ પછી જ એ નજર કરે.
દવા કરો, જરા પછી દુઆ અસર કરે.

અમે સમજાવી થાક્યા આંખને શું કામ તું,
ન દેખે એ, જગત જેને ટગર ટગર કરે.

ન આપે એ મદદ, કદી ય હાથ આપે ના.
જરા એ કામની દિશા ભણી નજર કરે.

બધાય ગામને એ જત જણાવો કે હવે
તમારે ત્યાં જવાની ઈચ્છા સહુ નગર કરે.

સવાલો કેટલા સહેલા કરે છે જીંદગી પણ,
જવાબો તો યે તું કેવા લઘર વઘર કરે.

શનિવાર, ડિસેમ્બર 01, 2012

એ કહો....


સ્વતંત્ર શેર..

કટકે કટકે મળી સજા, દુઃખ છે એ વાતનું,
પણ ન એને પડી મજા,દુઃખ છે એ વાતનું.


અને ગઝલ...

આભમાં શું કામ ના ઊડે પહાડો, એ કહો.
કેમ ના ખોદી શક્યા પાણીમાં ખાડો, એ કહો.

જો તમારા હાથને હથિયાર એવું નામ દઉં,
તો સમયના હાથને કેવા મરોડો, એ કહો.

બે હથેળીમાં છુપાવો ચાંદ આખો, એ પછી,
કેવું કોને કેટલું ક્યારે દઝાડો, એ કહો.

શ્વાસ આ તારી હવાના કાયદાની હદમાં લઉ,
કઈ કલમમાં બંધ અમને બેસાડો, એ કહો.

આઈનો અકબંધ હોવાની મને ચિંતા નથી,
કેમ ના જોઈ શક્યો મારી તિરાડો, એ કહો.

રવિવાર, નવેમ્બર 18, 2012

આભને ખોવું નથી...


બોલવા જેવું નથી,
શાંત પણ રહેવું નથી.

આ હવાને પૂછ ના,
કેમ કંઈ કહેવું નથી?

છત વગરની વાત છે,
આભને ખોવું નથી.

એક સન્નાટો ફકત?
કંઇ બીજું સહેવું નથી?

ચાલ મન લઈ બેસીએ
કોઈએ એવું નથી.

સોમવાર, નવેમ્બર 12, 2012

તાલ હું જોઉં છું....

વાત ના જોઉં બસ ભાવ હું જોઉં છું,
શબ્દ વચ્ચે જગા, ખાસ હું જોઉં છું.

રાતના snow પડે, ને દિવસ છે sunny,
Season કે તારો સ્વભાવ હું જોઉં છું?

આગવા રંગને ઢંગને ઓળખે,
એ પરખદારની રાહ હું જોઉં છું.

હાથ બળશે ખબર છે મને તો ય પણ,
ભંગ ના થાય એ રાસ હું જોઉં છું.

ખોલશે ગૂંચને બંધ પોતે થશે,
સહેજ ત્યાં દૂરથી તાલ હું જોઉં છું.

શનિવાર, નવેમ્બર 10, 2012

મુકતક - ગુંજન ગાંધી


જૂની રસમો કે રિવાજો કોઈ રીતે તોડીએ,
પાંખ કે સીડી વડે ઉપર જવાનું છોડીએ.

મિત્રતા જો દોર જેવી બાંધતા ફાવી ગઈ,
તો પતંગો જેમ નાતો આભ સાથે જોડીએ.

રવિવાર, ઑક્ટોબર 28, 2012

જઈશ ક્યાં?


ઓઢેલું ખસી ગયું આભ તો જઈશ ક્યાં?
પહેરેલો મળે નહી ભાર તો જઈશ ક્યાં?

જીતી હતી લટ ભલે આમ સાંજથી પણ,
ઉકલે નહીં આખી જો રાત તો જઈશ ક્યાં?

સોમવાર, ઑક્ટોબર 22, 2012

જાણકારી ફૂલની...


સહેજ અમને જાણકારી ફૂલની આપી ખરી,
એમણે આખી કથા કાંટા વીશે છાપી ખરી.

એક ચકલી એટલે અકળાય છે માણસ ઉપર,
શહેરમાંથી એક માળાની જગા કાપી ખરી!

રાત આખી વીતવાનો ઓગળ્યો અફસોસ કે,
આખરે ગહરાઈ એ લટની અમે માપી ખરી.

ઉપ્પરવાળો પણ ના ઉથલાવી શકે એને કદી,
જીંદગીમાં એક એવી ક્ષણ તમે સ્થાપી ખરી?

લાગણીને લાલ જાજમ જેમ રાખો પાથરી,
તો કદાચ એ આવશે, એવી સમજ વ્યાપી ખરી?

મુકતક - ગુંજન ગાંધી


એકદમ ખખડી ગયેલી સાંજનું તારણ તને હું શું કહું?
હોઠથી લપસી પડેલી વાતનું ભારણ તને હું શું કહું?

ચાલ ધીમી, શ્વાસ ઝડપી, હોઠ સૂકા, ઘર કને પહોંચ્યા પછી,
ને વજન ખાલી બધા ખિસ્સાનું થોડા મણ, તને હું શું કહું?