શનિવાર, ઑક્ટોબર 20, 2012

થોડા સ્વતંત્ર શેર...ગુંજન ગાંધી



સાંકળો, તાળા અને બંધ ભારે બારણા,
વેલકમ મેટ કરે, 'હોવું' શું? - વિચારણા.

******************************************************


સહેજ તો એનીય તૈયારી હતી,
ક્યાં પવનને વાસવી બારી હતી.

******************************************************

સમયના વ્હેણને વાળી અને બચપણ તરફ લઈને જવું છે.
તમારી લાગણીનું ધણ હવે વળગણ તરફ લઈને જવું છે.

******************************************************

સોમવાર, સપ્ટેમ્બર 24, 2012

એક લઘુ કાવ્ય


અનુસરું કે ઓળંગુ,
કે પછી હું જ બની જઉં, 
બસ એ જ વિચારોમાં
હું ઉભો રહી જાઉં છું,
ત્યાં ને ત્યાં,
રસ્તા ઉપર....


Written on 22 Sep, 2012.

રવિવાર, સપ્ટેમ્બર 16, 2012

બાળક ફરી બની જો....



હસતા રહી ખુશીમાં,તું દુઃખને રડી જો
ટાઈમ મશીનમાં બેસી, બાળક ફરી બની જો.

પાંખો ખુલે હવે બસ, એ રાહમાં જગત છે,
તું પીંજરે નથી એ બાબત ખરી કરી જો.

એના એ હાવભાવો, ના હાસ્ય પણ જરાયે,
જોઈ મને ચમક એ આંખોમાં થઈ ખરી જો.

શું ખીણમાં જઈ તું શોધે કશું ફરીને,
મળશે નહીં પતન ત્યાં, નીચે હજી પડી જો.

વરસાદમાં પલળતા જે ડાળખી ના શીખી,
પંખીએ એને પકડી ઉંચી કરી જરી જો.



- Written from Sept 2nd to Sept 16, 2012.

રવિવાર, ઑગસ્ટ 26, 2012

શક્યતામાં વેગ છે


સાંજથી એ શક્યતામાં વેગ છે. 
સ્વપ્ન પાસે આપનો ઉલ્લેખ છે.

ચાલતા'તા ત્યાં સુધી સારુ હતું,
થાક એ ઊભા રહ્યાની ભેટ છે.

ઝાકળ માટે આંખની આ લાગણી,
એકતરફી કોઈ દસ્તાવેજ છે.

છટકી ગઈ પેલી સુગંધી ક્યાંકથી,
ને હવા મુઠ્ઠીની વચ્ચે કેદ છે.

છેક પહોંચી ગઈ હતી ઘટના અને,
આપણી સમજણ હજી અડધે જ છે.

Written from 18 to 25 August, 12.

બુધવાર, ઑગસ્ટ 01, 2012

તારામાં થોડું ડૂબવા નીકળ્યા....

ઝરણું પાણી લાવ્યું ક્યાંથી શોધવા નીકળ્યા,
છાંયડાથી વૃક્ષનું કદ માપવા નીકળ્યા.

ઘર કરે મારામાં તું એ રીતે, રહેવાય ના,
ને અમે તારામાં થોડું ડૂબવા નીકળ્યા.

ટોચની જોઈ ઉદાસી,આભમાં બેઠા નહીં,
વાદળો પર્વતનો આંટો મારવા નીકળ્યા.

ફૂલને પાંખો વિશે જો કલ્પના આવી,તો -
એ બધા ર્ંગીન સરનામે જવા નીકળ્યા.

ઘાસમા છૂપાયેલી એ સોય પાછી મળી,
જે દિવસ ખોયેલા એને ગોતવા નીકળ્યા.

- Written from July 22 to July 31, 2012.

રવિવાર, જુલાઈ 08, 2012

ક્યાં સુધી હુ અવતરું?

શ્વાસ ખાલી ખાલી લાગે તે ભરું.
નાની તો નાની, ચલો કેડી કરું.

ધોમધખતા દ્શ્યથી દાઝે નહીં,
આંખમા એવું થઈ પાણી તરું.

લાકડાની નાવ છે,તૂટી શકે,
ભેટ ચાંદીની જ લો તમને ધરું.

બારી ખુલ્લી રાખવાની વાત છે,
આ હવાને કેટલું હું કરગરું?

હાશ રસ્તાને થઇ એ કારણે,
કારની ચાવી મૂકી પાછો ફરું.

આંગળી પોતાનો હિસ્સો માનશે?
નખ થઈને ક્યાં સુધી હુ અવતરું?
 
 
(01st July, 2012)

બુધવાર, જૂન 27, 2012

વાત વરસાદે ઉડાવી ……


હાથની ઝણઝણાટી,
કોણ જાણે શું થવાની.
  
બંધ બેસે એવા સપના,
રાત ગોતી લાવે ક્યાંથી.

ઈંટતા ઓછી પડેલી,
એટલે ભીંતો ચણાઈ.

ને અમે ભીના થયા'તા,
વાત વરસાદે ઉડાવી.

જીભ ઊપર આવે ના આવે,
જીવ પર આવવાની.


- Written from June 21 to June 26, 2012

ગુરુવાર, જૂન 14, 2012

મહેકને અડકી ગયા....

'માપ દરિયાનું ગજું' એવું કહી મલકી ગયા,
ફૂટપટ્ટી રેતને ધરતા તમે અટકી ગયા.

આંકડા ઓછા પડે તો આંગળાઓ ચાલશે,
ચાંદ સૂરજને ગણો, તારા ભલે છટકી ગયા.

હાથ જો છોડી શકો ને,તો જ આગળ જઈ શકો,
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

પાંદડા પર આભ ઉતર્યું ને જમીન કોરી રહી,
ને સરોવર જોઈને આ,શી ખબર છલકી ગયા.

ફૂલની હાલત ઘણી ગંભીર જેવી થઈ જશે,
ભૂલથી કોઈ વાર પણ જો મહેકને અડકી ગયા.

- (10 to 14th June, 2012)

સોમવાર, જૂન 04, 2012

નથી નથી.....



કંઈ પણ નવું નથી, જૂનું નથી નથી.
પાસે નથી કશું, અળગું નથી નથી.

જે ડાબા હાથે જીવ્યા'તા સરળ કદી,
એ જમણા હાથે પણ મળતું નથી નથી.

સત્યોનો રંગ કાળો હોઈ ના શકે,
તો શ્વેત છે, એ પણ સાચું, નથી નથી.

હા-ના તો થઈ નથી, કે વાત આંખથી,
ને ખાસ એવું કંઈ બન્યું નથી, નથી?

રાતે અવાજ ધીમો ના કરી શકો?
મનરવ ને એવું કહેવાતું નથી નથી.

- Written from May 25 to 3 June.

ગુરુવાર, મે 24, 2012

એમાં શું.....

આકાશને છત કહેવાનું, એમાં શું?
બસ, ખુલ્લા મનથી રહેવાનું, એમાં શું?

મારા જ રસ્તે ચલો ને મજા પડશે,
હા, બહુ નથી ત્યાં વહેવાનું, એમાં શું?

છટકી ગયા સ્પર્શ, તમને મળ્યા સ્મરણ,
ને ટેરવાને સહેવાનું, એમાં શું?

પાણી કહે, ચાલ પર્વત ઉપર જઈએ,
ઝરણામાં દાટો વહેવાનું, એમાં શું?

તડકાને રાતે મળો, વેશ બદલીને,
'ચલ ચાંદનીમાં' કહેવાનું, એમાં શું.

Written from 16.05 to 22.05, 2012