અમદાવાદમાં મારું પહેલું કવિ સંમેલન, જી.એલ.એસ હોલ, લો ગાર્ડન પાસે, 17 નવેમ્બરના રોજ યોજાયું એમાં રજૂ કરેલી રચનાઓ અહિં ફરી તમારા માટે,
[1]
એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે
દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે
સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે
રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે
હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે
આ ગઝલ આ પહેલા આપે અહિં માણી હતી...
____________________________________________________________________
[2]
આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.
સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.
આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.
સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.
આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત નીકળવાનું હોય છે.
________________________________________________________________________
[3]
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?
જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
આ પહેલા આપે લયસ્તરો પર માણી હતી.
___________________________________________________________________________________
બીજા કવિઓ - ચીનુ મોદી, કૃષ્ણ દવે, સૌમ્ય જોશી, હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, છાયા ત્રિવેદી, અનિલ ચાવડા અને મહેમાન કવિઓ - સુધિર દવે (USA), રમેશ શાહ
કવિ સંમેલનના વધારે પિકચર્સ માટે જાઓ - Flickr Account પર - જ્યાં દરેક કવિના લાક્ષણિક અદામાં ફોટોસ માણવા મળશે...
http://www.flickr.com/gp/20993498@N03/P3250q
ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન ગુંજનભાઈ.. તમારા પહેલા કવિ સંમેલન માટે ! આમ જ આગળ ને આગળ વધતા રહો એવી અંતરની શુભેચ્છાઓ...
જવાબ આપોકાઢી નાખોwww.urmisaagar.com
ખૂબ અભિનંદન.. સુંદર રચનાઓ.. ગુંજનભાઈ મારી પ્રિય એવી નયન દેસાઈની રચના 'માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો' નો રસાસ્વાદ કરાવશો?
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ અભિનંદન, ગુંજનભાઈ... આ ગઝલોમાંની એક કવિલોકના છેલ્લા અંકમાં પણ પ્રકાશિત થઈ છે એની જાણ તો હશે જ... એના માટે પણ અભિનંદન...
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ અભિનંદન ગુંજનભાઈ,
જવાબ આપોકાઢી નાખોઆ વખતે તો હાજર ના રહી શક્યા પણ
આવતી વખતે ચોક્ક્સ હાજર રહેવા પ્રયત્ન કરીશું.