લેબલ ગુજરાતી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, ફેબ્રુઆરી 02, 2011

છે તો છે - ભાવેશ ભટ્ટ 'મન'

છિદ્રવાળું વહાણ છે તો છે,
પાણીને એની જાણ છે તો છે.

એ ભલે ફૂલછાબ જેવો છે,
પણ ફૂલોથી અજાણ છે તો છે.

કામ બીજું હવે રહ્યું છે કયાં?
શ્વાસની ખેંચતાણ છે તો છે.

હું દિવસને નથી મળ્યો ક્યારેય,
કોઈને ઓળખાણ છે તો છે.

જેવું જીવ્યા છીએ લખ્યું એવું,
સાવ નબળું લખાણ છે તો છે.


- ભાવેશ ભટ્ટ 'મન'

શનિવાર, નવેમ્બર 13, 2010

ગઝલ - ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ 'સેલ્લારા'માંથી એમની એક સદાબહાર ગઝલ -

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વ્રુક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
'આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે'

બાલદી, શીશી, તપેલી, પ્યાલૂં, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે એ, માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, 'ભાઈ, તું ક્યાં જાય છે?'

બુધવાર, નવેમ્બર 03, 2010

થઈ જાય છે...રઈશ મનીઆર

કવિતાના દિપોત્સવી અંકમાંથી મારા પ્રીય શાયર શ્રી રઈશ મનીઆરની એક ગઝલ...

પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.

પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.

રાહ જોતું હોય છે પહેલું કીરણ,
ખોલતા બારી શુકન થઈ જાય છે.

ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.

ભાગતી ખૂશ્બુનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.

રવિવાર, ઑક્ટોબર 31, 2010

એક ફોટો જોઉં એટલે...સંદિપ ભાટિયા

તસવીર જોઉં છું ઉર્ફે આંખોથી ચૂમું છું ઉર્ફે રંગોના રેખાના જંગલમાં રખડું છું મજા કરું છું
છ બાવનની લોકલમાં બેઠો છું તારો ફોટો લઈ ને પરીકથાના દશ્યોમાં હું આવજા કરું છું

કોયલ મારા શ્વેત શ્યામ દિવસોમાં રંગોના ઇંડા સેવે છે
બરછટ આંખોને ઝાકળનું ટીપું આંજી મેઘધનુષ જોવા ટેવે છે

ભુલાયેલા પૂર્વજ જેવા લીલા વૃક્ષનો ફોટો ટાંગ્યો ડ્રૉઇંગરુમની ભીંતે ઉર્ફે ઋણ એ રીતે અદા કરું છું

સડક સેપિયા હાંફ સેપિયા રસ્તા કોરે રમી રહેલા બચપણનું આકાશ સેપિયા
મુંબઈનો અંધાર સેપિયા ચીમનીમાંથી ઊગી રહેલા સૂરજનો અજવાસ સેપિયા

ચર્ચગેટ પર ઘડી બેઘડી પોરો ખાતી લોકલ ઉર્ફે મારી ખાલી છાતીમાં હું દશ્યોનો દરબાર ભરું છું

બુધવાર, ઑક્ટોબર 06, 2010

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે - મરીઝ

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતા,
નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફક્ત સમય,
એને જો હું વીતાવું તો જીવન બની જશે.

તારું છે એવું કોણ કે માંગે સ્વતંત્રતા!
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં 'મરીઝ',
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

શુક્રવાર, સપ્ટેમ્બર 10, 2010

એક આંગળ ચાર દોરા બે તસુ - કૈલાસ પંડિત

શ્રી ચિનુ મોદી અને કૈલાસ પંડિતે સુખનવર શ્રેણી હેઠળ ઓક્ટોબર, ૧૯૯૧માંએ વખતના જાણીતા શાયરોમાંથી થોડાકની ગઝલોનો, દરેક શાયર માટે એક એમ સંગ્રહ કર્યો હતો. એમાં સુખનવર કૈલાસ પંડિત શ્રેણીમાં એમના માટે ચિનુ મોદીએ લખેલી પ્રસ્તાવનાનો થોડો ભાગ જોઈએ...

"મૂળ મધ્યપ્રદેશનો આ શખ્સ ગુજરાતી ગઝલ માટે પોતાનો પનારો પાડ્યા પછી દૂધ ભાષામાં લખવાનું ભૂલી જાય, એવી પ્રશસ્તિ પામી ગયો છે. એ શખ્સ એટલે કૈલાસ પંડિત, પ્રેમભર્યા તોફાનનું બીજું નામ. એ અજગર જેટલા મોટા મુંબઈને રોજ હરણની ગતિથી ખૂંદે છે.

એની ગઝલોમાં સવારના ખુશનુમા તડકાની કોમળતા છે, પણ કેટલીક ગઝલોમાં કાળી રાતના નિબિડ અંધકારની ઉદાસી સ્પર્શવા મળે છે.

***
તારી વ્યથા કબૂલ, મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ
***
આ ગલીથી એ અમસ્તા નીકળે
ને પછી ઘરઘરથી અફવા નીકળે"
***

બીજી કોઈ વધારે વાત કર્યા વગર એમની એક ગઝલ માણીએ..........

આપણું આઘાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ,
તે છતાં મળવાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

ફોનના ડાયલ મહીં છે આંખ દસ દસ પણ બધી છે આંધળી,
ને સતત ફરવાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

પેચ લેતા મૂતરે છે છોકરાઓ લાલ આ ત્રિકોણમાં,
સૂર્યમાં કાળાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

રાત આખી કાંપતુ બેઠું કબૂતર છાપરાની ઓથમાં,
આમ તો સરખાપણું છે એક આંગળ ચાર દોરા બે તસુ.

ભીંત ઘરને ચોતરફથી ઘેરતી ઉભી રહી છે તે છતાં,
આપણું આઘાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

મંગળવાર, ઑગસ્ટ 31, 2010

દોસ્ત! હું ભૂંસાઉં છું - ચીનુ મોદી

એક સુંદર ઘટનાના સાક્ષી બનવાનો આજે લહાવો મળ્યો. શ્રી ચીનુ મોદી - ચીનુકાકા ના કાવ્ય સંગ્રહ 'ખારા ઝરણ'નું આજે વિમોચન થયું સાહિત્ય પરષદ ખાતે. જાણીતા સંગીતકાર શ્રી અમર ભટ્ટે આ પ્રસંગે આ જ કાવ્ય સંગ્રહમાંથી થોડી ગઝલને સંગીતબધ્ધ કરીને રજૂ કરી..એમાંની એક બહુ ગમી ગયેલ ગઝલ અહીં તમારા બધા સાથે વહેંચુ છું....



તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે 'ઇર્શાદ' કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.






Available At:
કાવ્ય સંગ્રહ - તાજા ઝરણ (ચીનુ મોદીની કવિતાઓ)
રન્નાદે પ્રકાશન,
૫૮/૨, બીજે માળે, જૈન દેરાસર સામે,
ગાંધીરોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧
ફોન - ૨૨૧૧૦૦૮૧-૬૪
visit - www.rannade.com

રવિવાર, ઑગસ્ટ 29, 2010

તાજા કલમમાં - મુકુલ ચોક્સી

ઘણા વખત પછી ફરી એક પોસ્ટ - મુકુલ ચોક્સી સાહેબની "તાજા કલમમાં" ગઝલ,


એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

રવિવાર, જુલાઈ 25, 2010

હજી થોડાક એવા મીત્ર છે - અનિલ ચાવડા

અમદાવાદના આજના શાયર - અનિલ ચાવડા, જેની આવતી કાલ અતિશય ઉજ્જવળ છે એવું ઘણાનું નિઃશંકપણે માનવું છે. એ માન્યતા સાચી ઠેરવે એવી મીત્ર અનિલની એક હમણાં હમણાં લખાયેલ ગઝલ.



હજી થોડાક એવા મીત્ર છે - અનિલ ચાવડા



ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

પ્રથમ તો ફોસલાવીને મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

રવિવાર, જુલાઈ 18, 2010

વસંત ગઝલ - ૧ રમેશ પારેખ

2001-02ના વર્ષમાં મુંબાઇ મુકામે એક કવિ સંમેલનમાં શ્રી રમેશ પારેખના મુખે સાંભળેલી આ વસંત ગઝલ -

વસંત ગઝલ - ૧

પ્રથમ સુનાવણી સજાની થઈ
તે પછી ઈબ્તિદા ગુનાની થઈ

એક ડોસો સ્વયં થયો ગજરો
ને એની વય મહક થવાની થઈ

એક ડોસાએ ફૂલ સૂંઘ્યું તો
એક ડોસીની માનહાની થઈ !

આજ વિહ્ વળ બની ગયા સંતો
કોઈ મીરાં ફરી દિવાની થઈ

કોઈ ડોસો થઈ ગ્યો રજવાડું
તો કોઈ ડોસી રાજધાની થઈ

એક ડોસાએ પાન ખાધું તો
એક ડોસીની લાલ પાની થઈ !

બોમ્બ માફક વસંત ફૂટી તો
પીડા મને ય ઊગવાની થઈ

ચાંદની ઉર્ફે લૂ સયાની થઈ
પછીથી આ દશા ર.પા.ની થઈ !

૨૫-૭-'૮૭ / શનિ

સોમવાર, જુલાઈ 12, 2010

કેટલાક તડકા કેટલા આકરા હોય છે - - સૌમ્ય જોશી

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
[ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ]

- સૌમ્ય જોશી


કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

શનિવાર, જૂન 26, 2010

કવિ - અનિલ જોશી

કવિતા લખવા કાયમ ઘણા શબ્દોની જરુર નથી એવું સાબિત થાય છે અનિલ જોશીના કાવ્ય સંગ્રહ - 'ઓરાં આવો તો વાત કરીએ'માંની આ કવિતા પરથી,

તું કવિ છે તારે તો
દિવો ઠરવો ના જોઈએ એ શરતે
વાવાઝોડાની આરતી ઉતારવાની છે

ગુરુવાર, જૂન 24, 2010

જતી વેળા - જવાહર બક્ષી

જવાહર બક્ષી સાહેબની એક ગઝલ - એમના સંગ્રહ 'તારાપણાના શહેરમાં'માંથી,

જતી વેળા

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી ... શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

અવઢવનું ગીત - સંદિપ ભાટિયા

હિતેન આનંદપરા જેને પોતાના senior માને છે એવા કવિ, જે 'કવિતા' નું મુખપૃષ્ઠ કાયમ design કરે છે, એવા સંદિપ ભાટિયાના કાવ્ય સંગ્રહ 'કાચ નદીને પેલે કાંઠે'માંથી એક રચના -

અવઢવનું ગીત -

કાગળના ફૂલમાંથી પ્રસરે છે કંઈ એને ફોરમ કહું કે કહું અફવા
ઘટનાના પગરવને ચીંધી દઉં ટેરવે આપું એકાદ નામ અથવા

વૃક્ષતાની કોરે કોઈ બેસીને ગણતું હો ઉનાળુ શ્વાસોના ફેરા
ભમ્મર પર હાંફતા હો સૂરજનાં ઊંટ અને પાંપણને ચાંદનીના ડેરા

તપતી રેતીને તમે આપી ગયા છો એને વેદના કહું કે કહું પગલા

હૂંફાળા હાથને હો છેટું હાથવેંતનું ને આભને હું વેંત મહીં માપું
શેરીમાં ટળવળતા કંકણની વાયકાને ઘરની દિવાલોએ સ્થાપું

ખરતા પીંછાનો નહીં ઊંચકાતો ભાર અને માંડું આકાશ લઈ ઊડવા

સોમવાર, જૂન 21, 2010

ભૂલી જા - મનોજ ખંડેરિયા

શ્રી ચીનુ મોદીની ષષ્ટીપૂર્તી નીમિત્તે યોજાયેલ કવિ સંમેલનમાં શ્રી મનોજ ખંડેરિયાના મુખે સાંભળેલ આ ગઝલ -

દુઃખ ભૂલી જા - દીવાલ ભૂલી જા;
થઈ જશે તું ય ન્યાલ, ભૂલી જા.

જીવ, કર મા ધમાલ, ભૂલી જા,
એનો ક્યાં છે નિકાલ, ભૂલી જા.

જો સુખી થઈ જવું હો તારે તો,
જે થતા તે સવાલ, ભૂલી જા.

મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોણે ચાલી'તી ચાલ, ભૂલી જા.

રાખ મા યાદ ઘા કર્યો કોણે,
તું બન્યો કોની ઢાલ, ભૂલી જા.

એ નથી પહોંચવાની એને ત્યાં,
તેં લખી'તી ટપાલ, ભૂલી જા.

તું હવા જેમ જઈ ફરી વળ ત્યાં,
ઊભી થઈ છે દીવાલ, ભૂલી જા.

રાસ તારે નીરખવો હોય ખરો,
કર બળ્યો કે મશાલ, ભૂલી જા.

ઘેર જઈ ધોઈ નાંખ પહેરણ તું,
કોણે છાંટ્યો ગુલાલ, ભૂલી જા.

બે લખી ગઝલ, મોથ શું મારી,
તારી ક્યાં છે કમાલ, ભૂલી જા.

રવિવાર, જૂન 20, 2010

એટલે તું કૌંસમાં........ડૉ. મુકુલ ચોક્સી

અને આજે ડૉ. મુકુલ ચોક્સીની એક "કૌંસ" ગઝલ - પણ એ પહેલા એક મુક્તકથી શરુઆત કરીએ.

કાયમ કવિઓને એક સવાલ વાર-તહેવારે અચૂક પૂ્છાય - કાવ્ય સર્જનની પ્રક્રિયા વીશે. એનો કોઈ સાચો અને સંપૂર્ણ જવાબ ના હોઈ શકે, પણ ડૉ. મુકુલ ચોક્સી બધા કવિઓ વતી જુઓ કેવો જવાબ આપે છે આ મુક્તકમાં......

બારીએ બેસવાનો જ્યારે સમય મળે છે,
આકાશ ઓગળે છે ને છત છજાં ગળે છે;
ત્યાં એક કાવ્યક્ન્યા સામેની શેરીએથી
ભાષાનાં ભીનાં વસ્ત્રો પહેરીને નીકળે છે.

********************************************
હવે "કૌંસ" ગઝલ....



શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી,
એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી.

જે લખાવાની હજી બાકી છે એ કંકોતરી,
એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.

થડથી આગળ જાય તો પણ થડ વગર ચલે નહીં,
એટલે તું કૌંસમાં ડાળી અને ફૂલપાંતરી.

શનિવાર, જૂન 19, 2010

'કટિંગ' એટલે................ભાવેશ ભટ્ટ 'મન'

ગુજરાતી કવિતાની આજનું એક મજબૂત નામ એટલે ભાવેશ ભટ્ટ 'મન'. વૃક્ષ વીશેનું એનું એક લઘુ કાવ્ય અને એની તાજી ગઝલ - એ પણ વૃક્ષની જ.

જે વૃક્ષની નીચે
ધમધોકાર ચાની કિટલી ચાલતી
એ વૃક્ષને રોજ એવો પ્રશ્ન થતો,
'કટિંગ' એટલે શું?

હવે ગઝલ -

શું બીજું વૃક્ષની ઘટનામાં છે?
ડાળ એક્કેક સકંજામાં છે.

એ ગમે તે ઘડી આવી ચડશે,
કંઈ યુગોથી કોઈ રસ્તામાં છે.

તું ન દેખાય ને હું દેખાઉં,
ક્યાં ફરક કોઈ તમાશામાં છે.

બહૂ ખીલ્યા તારી કબર પર ફૂલો,
તું હજી કોની પ્રતીક્ષામાં છે?

પંખીઓ આવી ખભા પર બેઠા,
ચાડિયો આજ અચંબામાં છે.

શુક્રવાર, જૂન 18, 2010

કાગડાની કવિતા....

શહેરમાં કદાચ એ દેખાતા ઓછા થઈ ગયા છે એટલે કવિતામાં પણ નથી દેખાતા, કાગડા વીશે આ નોંધ સાથે સૈફ પાલનપુરી અને રમેશ પારેખની ગઝલમાં કાગડાની વાત જોઇએ.

ઘરે કોઈના આવવાની એંધાણી કાગડાના આવવાથી થાય છે એ માન્યતા પર સૈફ પાલનપુરી એક અદભૂત શેર આપે છે. કદાચ શહેરમાં કાગડા ઓછા થવાની સાથે ઘરે આવતા મહેમાનો પણ ઘટી ગયા છે!!

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.


આ જ વિષય પર એક મારો શેર -

કાગડો કહે, એકલું ઘર,
કો'કની લાગી નજર છે.

આખી ગઝલ અહીં -
http://www.gunjarav.com/2008/12/blog-post.html




અને હવે રમેશ પારેખની આખેઆખી ગઝલ - સડક પર મૃત માણસ જોવા છતાં કંઈ સંવેદના કે દુઃખની લાગણી ના થાય તો કાગડો મરી જાય તો તો ક્યાંથી થાય? જો રમેશ પારેખ હો તો જ આવું કંઇ થાય!

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો.

શું કામ જઇને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને - કાંવ...કાંવ કાગડો મરી ગયો.

સદાય મૃતદેહ ચૂથી કોને એમાં શોધતો?
લઇ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’...

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા....
You sotp…stop…stop…now કાગડો મરી ગયો.


છંદ વિધાન - લગા લગા લગા......... (કૃષ્ણાષ્ટ્કમમાં પણ આ જ છંદ છે! - ભજૈ વ્રજૈ કમંડનમ, સમસ્ત પાપ ખંડનમ....)

રવિવાર, ઑગસ્ટ 23, 2009

ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી (Modified)

બે શેર બદલીને - ગઝલને વધુ ગઝલ બનાવવાનો પ્રયાસ.

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

એ હવે એવું કહીને જીવતો સહેજે નથી,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણું કાયમથી ઊભું છે હજી પણ ત્યાં ને ત્યાં,
બહાર કે અંદર જવું એ ક્યાંથી નક્કી થાય છે?

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

રવિવાર, જુલાઈ 05, 2009

ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી

ઘણા લાંબા સમય પછી એક ગઝલ -



ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.