ગુરુવાર, ઑક્ટોબર 02, 2008

ઘર મને એવું ગમે - બી. કે. રાઠોડ'બાબુ'

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે
બારણાં બોલે પધારો, ઘર મને એવું ગમે

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે

કાયમી જ્યાં છમ્મલીલાં લાગણીના ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે

નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે

જે ઘરે લાગે અજાણ્યાને ય પણ પોતાપણું,
લોક જ્યાં ચાહે ઉતારો, ઘર મને એવું ગમે

થાકનો ભારો ઉતારે, કોઇ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે

મંદિરો શી શાંતિ જ્યાં સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો, ઘર મને એવું ગમે

5 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/03/2008 6:14 AM

    Again read B.K.'s nice gazal and enjoyed by heart.
    All shers are excellent.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  2. આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે
    બારણાં બોલે પધારો, ઘર મને એવું ગમે
    સરસ
    માધવની રચના યાદ આવી
    એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
    જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
    એક એવું આંગણું કે જ્યાં મને;
    કોઈપણ કારણ વગર શૈશવ મળે !
    પ્રજ્ઞાજુ

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/08/2008 7:27 PM

    બી.કે.રાઠોડની આ ગઝલ એમના ઘરે એમના હીંચકા પર બેસીને એમના જ મુખે સાંભળી હતી... ઘર, પગરખાંનો પથારો અને ઘસારો કોને કહે એ એમને ત્યાં પ્રત્યક્ષ અનુભવવા મળ્યું હતું...

    મજાની ગઝલ... આભાર, ગુંજન!

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત10/09/2008 11:46 PM

    આજના માત્ર ઔપચારિક સંબંધોની શુષ્ક વ્યવહારિકતા વચ્ચે કવિને જેવા ઘરના અભરખાં છે એ કલ્પના જ ધન્યવાદને પાત્ર છે....
    ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કવિને એમની કલ્પનાનું ઘર મળે.....
    થાકનો ભારો ઉતારે, કોઇ આવી ડેલીએ,
    સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે.....
    -મજાની ગઝલ...

    જવાબ આપોકાઢી નાખો
  5. Palkesh Trivedi4/14/2012 4:42 PM

    મજાની ગઝલ...

    જવાબ આપોકાઢી નાખો