બુધવાર, જુલાઈ 16, 2008

બહાર આવ્યો છું...

આજે ફરી એક-વાર શ્રી મનોજ ખંડેરિયા. એમના સમગ્ર સંગ્રહમાંથી પસાર થતા એક મીઠી મૂંઝવણ અડક્યા કરે – કઈ ગઝલને બ્લોગ પર ના મૂકવી? અને અંતે પસંદગી – આ એક મુશાયરામાં એમના સ્વમુખે સાંભળેલી આ ગઝલ.

રદીફ બહુ જ સુંદર છે – બહાર આવ્યો છું. ક્યાંથી બહાર આવવાની વાત કરે છે કવિ? પોતાની પોતા વીશે ઉભી કરેલી છબીમાંથી! એ વસ્તુ કદાચ અગત્યની નથી કે નવી છબી પહેલા કરતા વધુ સુંદર બનશે કે ખરાબ – અગત્યતા છે એકની એક છબીમાં કેદ ના થવાની. બધા શેરો સુંદર, મને અંગત રીતે લાક્ષ્ય, રાસ અને કલમનો ત્રાસ ખૂબ ગમ્યા.

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

મંગળવાર, જુલાઈ 15, 2008

સૂના ઘરમાં ખાલી ખાલી......

વાત કરવી છે આજે – સૂરતના શ્રી નયન દેસાઈની. તમે કહેશો કે નયન દેસાઈ એટલે – Experimental Ghazals. પણ ઘર ઉપરનું આ એમનું ગીત – શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં સાંભળો અને તમારા perception પર કડકડતી વિજળી ના પડે તો જ નવાઈ.

તમે કાયમ ઘર પ્રત્યે તમને કેટલી લાગણી છે – ધરતીનો છેડો એટલે ઘર – એવી બધી વાતો કરો. ત્યારે આ કવિ, તમે ઘરની બહાર નીકળો ત્યારે ઘરને શું-શું થતું હશે એની વાત માંડે છે....





સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. - તમે જશો, ને ઉંબર ઉપર..


ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. - તમે જશો, ને ઉંબર ઉપર..

(આ ગીત વર્ષોથી એટલું ગમે છે અને હૃદયસ્થ થઈ ગયું છે – કે જાતે જ ગણગણતા લખ્યું છે. જો તમને ગવાતા ગીત અને લખેલા ગીતમાં કોઈ ભૂલ મળે તો ધ્યાન દોરવા વિનંતી. અને બીજી એક આડવાત – જ્યાં સુધી શ્યામલભાઈ એ મારું ધ્યાન ના દોર્યું ત્યાં સુધી હું બીજો બંધ કંઈ આવી રીતે સાંભળતો હતો -

(ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,)

“ખડી ઝાંપલીમાં જૂવોને, પગદંડી, ખેતર, શેઢા,"

અને એમ સમજતો હતો કે તમે ઘરની-ગામની બહાર છો અને રોજ ખેતરે નથી જતા – તો રોજની પગદંડી, ખેતર, શેઢા તમારા વિરહમાં સામેથી ઝાંપલીમાં ડોકિયું કરવા આવી ગયા છે !!! - જાતે કવિતા આવડતી હોવાના (કે એવો ભ્રમ હોવાના) ગેરફાયદા?

મંગળવાર, જુલાઈ 08, 2008

છોક્કરી ગીત

ઘણા વખત પછી આજે એક નવી Post. આમ જૂની રચના છે, 7-8 વર્ષ પહેલાની.


બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે

છોકરી ના હો તો એની બારીમાં જોવાનો મહિમાએ અપરંપાર છે
છોકરીને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે

મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે

બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો છે ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે

નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે

-2000-01

સોમવાર, માર્ચ 31, 2008

દોસ્ત પરપોટો અ-ઘર છે?

આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે?

ઘર હવાનું, બારણા ક્યાં?
દોસ્ત, પરપોટો અ-ઘર છે?

એક માણસ મા'તમા થાય,
એક ઈચ્છાની અસર છે.

છેક સુધી એ અળગા ચાલ્યા
જળને કાંઠાની કદર છે?

અડધે રસ્તે રાત થઈ ગઈ.
'પ્હોંચવુ' કેવી સફર છે?

પારદર્શક છે ભલે પણ,
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે?

રવિવાર, માર્ચ 16, 2008

આઈનાની પાછળ નહિં મળે

અને એક નવી ગઝલ....

હમણાં મળ્યો વિચાર, એ આગળ નહીં મળે,
લખવાનું જેમાં ધાર, એ કાગળ નહીં મળે.

જો શક્ય હોય, તો એને તું સામે જઈને મળ,
એ સત્ય, આઈનાની પાછળ નહિં મળે.

આવી જશે સમજ, જો પ્હોંચી જવા વિશે,
એકાદ-બેય ડગની ઉતાવળ નહીં મળે.

આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે, વાદળ નહીં મળે.

સૂરજ ઉગ્યાનું જોઈને ગમગીન થઈ કહ્યું,
હમણાં સુધી હતું જે,એ ઝાકળ નહીં મળે.

********* * * *********

(23 Feb, 2008)

બુધવાર, ફેબ્રુઆરી 27, 2008

આવી ચડે અચાનક એમાં મજા નથી

ઘણા વખતે મારી એક ગઝલ મૂકી રહ્યો છું...

આવી ચડે અચાનક, એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર મારી રજા નથી

એકાદ હો, તો માંડીને વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.

મંદિરની જેમ ઈશ્વર પત્થર બની જતે
સારું થયું, કે ઘર પર કોઈ ધજા નથી

ખરતી વખત એ પાંદડુ તો વૃક્ષને કહે,
ખરવામાં છે, એવી ટકવામાં મજા નથી.

બાંધી ઇમારતો જે આકાશ જઈ અડે
ઈશ્વરની રૂબરૂ કરે, એવા છજા નથી.

**************************************

શાળા બહાર બાળકે 'વિસ્મય' વીશે પૂછ્યું
લારી-વાળો તરત જ બોલ્યો ‘એ ચલ જા, નથી’
(આ શેર ને ગઝલની બહાર મૂકી રહ્યો છું - કાફિયા અને છંદ દોષને કારણે, પણ કોઈ કારણસર એ લખાયાની સાથે મને ઘણો ગમી ગયો અને સ્વતંત્ર શેર તરીકે રાખવા માંગુ છું.)

રવિવાર, ફેબ્રુઆરી 10, 2008

એકલ દોકલ વરસાદે....

શ્રી પરેશ ભટ્ટની અમર રચના – “એકલ દોકલ વરસાદે” તમારી સમક્ષ પ્રસ્તુત છે...અને એ પણ એમના પોતાના અવાજમાં!!...ગીત લખ્યું છે શ્રી મુકેશ માવલણકરે... મારે ખાસ આભાર માનવો છે શ્રી લલિતભાઈ શાહનો, આ ગીત જે મારી પાસે ઓડિયો કેસેટ સ્વરૂપે પડ્યું હતું એનું ડીજીટલ સ્વરુપ આપવાની વ્યવસ્થા કરી આપવા માટે...

તો તમારી અને આ અદભૂત ગીતની વચ્ચે વધારે આવ્યા વગર..બીજી કોઈ પણ પ્રસ્તાવના વગર બારોબાર આ ગીત રજૂ કરું છું....




એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહું’




_____________________________________________________________________________

રવિવાર, ડિસેમ્બર 30, 2007

તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા..

ગુજરાતી કવિતાનો નવો-નક્કોર શાયર એટલે અનિલ ચાવડા..ગુજરાતી કવિતાએ તાજો જ ઈસ્ત્રી કરીને આપણને આપેલો શાયર એટલે અનિલ ચાવડા..એની ગઝલમાં તમને આજની વાત સંભળાય.....મારો-તમારો અત્યારનો સવાલ સંભળાય....એને રુબરુમાં મળો ત્યારે એક્દમ સીધો સાદો લાગતો લબરમૂછીયો આ જુવાન જ્યારે ગઝલ વાંચવાની શરુ કરે ત્યારે અચાનક તમારી નજરોમાં એનું વ્યકતિત્વ એક નવું જ રુપ ધારણ કરે...
એણે ગુજરાતી ગઝલની આપેલો યાદગાર શેર..

શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે,
કોઈ અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો?


હવે જો આ કવિની ગઝલ તમને એના પોતાના જ અવાજમાં સાંભળવા મળે તો? તો માણો આ ગઝલ એના પોતાના અવાજમાં....





એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા.

કોઈ બીલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

એમણે એવું કહ્યું જીવન નહી શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દિવાલ પર આવી ગયા.

રવિવાર, નવેમ્બર 18, 2007

કવિ સંમેલન - 17 નવેમ્બર, 2007




અમદાવાદમાં મારું પહેલું કવિ સંમેલન, જી.એલ.એસ હોલ, લો ગાર્ડન પાસે, 17 નવેમ્બરના રોજ યોજાયું એમાં રજૂ કરેલી રચનાઓ અહિં ફરી તમારા માટે,


[1]
એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે

આ ગઝલ આ પહેલા આપે અહિં માણી હતી...

____________________________________________________________________

[2]
આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.

સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.

આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.

સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.

આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત નીકળવાનું હોય છે.

________________________________________________________________________

[3]
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

આ પહેલા આપે લયસ્તરો પર માણી હતી.



___________________________________________________________________________________

બીજા કવિઓ - ચીનુ મોદી, કૃષ્ણ દવે, સૌમ્ય જોશી, હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, છાયા ત્રિવેદી, અનિલ ચાવડા અને મહેમાન કવિઓ - સુધિર દવે (USA), રમેશ શાહ

કવિ સંમેલનના વધારે પિકચર્સ માટે જાઓ - Flickr Account પર - જ્યાં દરેક કવિના લાક્ષણિક અદામાં ફોટોસ માણવા મળશે...

http://www.flickr.com/gp/20993498@N03/P3250q

રવિવાર, નવેમ્બર 04, 2007

ઘેરાઈ ગયા ને?

શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે..આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ બળકટ કામ ચાલે છે..તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને? આ વખતે એ ગઝલ હતી..આવો માણીએ..(કૃષ્ણભાઈનો ખાસ આભાર..મારી વિનંતિને માન આપીને આ ગઝલ મોકલી આપવા અને આ બ્લોગ પર મૂકવાની અનુમતિ આપવા માટે..)


સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયાને?
કપડા પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયાને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઉગેલા જુટ્ઠાણાઓથી ઘેરાઈ ગયાને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેળાઈ ગયાને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજુ થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયાને?

મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મીલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયાને?

ઘણી વાર સમજાવ્યુ'તુંને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઉતર્યા તો વચ્ચેથી વે'રાઈ ગયાને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને -
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયાને?

તમે નથીની સાબીતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયાને?